હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાત દેશનું સૌથી સમૃદ્ધ રાજ્યમાં એક ગણાય છે તેમ છતાં રાજ્યમાં હાલ 31.41 લાખ પરિવારો એટલે કે અંદાજે 1.25 કરોડ જેટલી રાજ્યની ત્રીજા ભાગની વસતી ગરીબી રેખાની નીચે જીવન ગુજારી રહી છે. બે વર્ષમાં ગુજરાતમાં વધુ 6100 પરિવારનો ઉમેરો થયો છે.ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે કોરોના સંક્રમણના દોઢ વર્ષમાં અપર મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ ગરીબ વર્ગમાં આવી ગયો છે જેના કારણે ગરીબોના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોની નોકરીઓ છીનવાઇ છે. આવકના સાધનો ઓછાં થયાં છે અને મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે ઘરના બે છેડાં ભેગા કરવા અશક્ય બની ચૂક્યાં છે.
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લામાં શૂન્યથી 16 ગુણાંકવાળા 1619226 પરિવારો અને 17 થી 20 ગુણાંકવાળા 1522005 પરિવારો મળીને કુલ 3141231 પરિવારો વસવાટ કરી રહ્યાં છે.મોટી સંખ્યામાં ગરીબ પરિવારોનો ઉમેરો થયો હોય તેવા જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 2411 પરિવાર, રાજકોટમાં 1550, જૂનાગઢમાં 421, સાબરકાંઠામાં 380, વલસાડમાં 223, દેવભૂમિ દ્વારકામાં 196 અને દાહોદમાં 127 નો સમાવેશ થાય છે.જો કુલ સંખ્યાની વાત કરીએ તો સૌથી વધુ 236921 ગરીબ પરિવારોની સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં અને સૌથી ઓછા 21111 ગરીબ પરિવારો પોરબંદર જિલ્લામાં જોવા મળે છે. આ ગરીબ એટલે કે જેમની પાસે બીપીએલનું રેશનકાર્ડ છે તેમનો સમાવેશ થાય છે. જેમની પાસે રેશનકાર્ડ નથી તેમનો આ ગણતરીમાં સમાવેશ થતો નથી.ગુજરાતમાં 2019માં ગરીબ પરિવારોની સંખ્યા 30.94 લાખ હતી તેમાં વધારો થઇને 31.41 લાખ થઇ છે. એક પરિવારમાં ચાર સભ્યોની સંખ્યા ગણવામાં આવે તો રાજ્યમાં ગરીબ લોકોની સંખ્યા 1.25 કરોડ થઇ છે તેવું કહી શકાય