હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા ગોલ્ડ એન્ડ જ્વેલરી સમિટમાં મેરઠ બુલિયન ટ્રેડર્સ એસોસિએશને મેરઠમાં જ્વેલરી પાર્ક સ્થાપવા જીજેઈપીસી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો…
તાજેતરમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા ગોલ્ડ એન્ડ જ્વેલરી સમિટ યોજાઈ હતી. મેરઠ બુલિયન ટ્રેડર્સ એસોસિએશનનું એક પ્રતિનિધિમંડળ આ સમિટની મુલાકાતે આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડો. લક્ષ્મીકાંત બાજપાઈની આગેવાની હેઠળના મેરઠ બુલિયન ટ્રેડર્સ એસોસિએશનના પ્રતિનિધિમંડળે જીજેઈપીસીના પ્રતિનિધિમંડળ સાથે એક મિટીંગ કરી હતી. આ મિટીંગમાં મેરઠના પ્રતિનિધિમંડળે મેરઠમાં જ્વેલરી પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ જીજેઈપીસી સમક્ષ મૂક્યો હતો.
મેરઠના પ્રતિનિધિ મંડળ સાથેની જીજેઈપીસીની વાતચીત ખૂબ જ સારી રહી હતી. ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં સૂચિત જ્વેલરી પાર્કની સાઈટનો અભ્યાસ કરવા માટે જીજેઈપીસીના પ્રતિનિધિઓએ તૈયારી દર્શાવી હતી. આ બાબતે આગામી દિવસોમાં દાવોસની બેઠકમાં ચર્ચા કરવાનું નક્કી કરાયું હતું.
નોંધનીય છે કે દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકારના સત્તાવાર પ્રતિનિધિમંડળ તરીકે જીજેઈપીસી અને મેરઠ બુલિયન ટ્રેડર્સ એસોસિએશનનું પ્રતિનિધિનિમંડળ ભાગ લેનાર છે.
જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું કે, મેરઠ જ્વેલરી પાર્ક પ્રોજેક્ટને ટેકો આપવા માટે કાઉન્સિલ પ્રતિબદ્ધ છે. શાહે કહ્યું, આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હશે જે ઉદ્યોગની ભાવિ વૃદ્ધિની મહત્વાકાંક્ષાઓને વેગ આપવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે જીજેઈપીસીના વિઝનને અનુરૂપ છે. જીજેઈપીસી તેને સફળ બનાવવા માટે તમામ હિતધારકો અને સરકારનો સહકાર માંગશે.