હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
દેશના 75મા પ્રજાસત્તાક દિનની ઊજવણીના ભાગરૂપે નવી દિલ્હીમાં યોજાનારી પરેડમાં વિવિધ રાજ્યોની ઝાંખી રૂપે રજૂ થનારા ટૅબ્લોમાં ગુજરાતની પણ ઝાંખી રજૂ થશે. ગુજરાતની આ ઝાંખીમાં આ વર્ષે કચ્છના ધોરડોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ટુરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા પર્યટન માટે ઉત્કૃષ્ઠ હોય તેવાં ગામોની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં કચ્છ જિલ્લાના ધોરડોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
કચ્છના મોટા રણના મુખ પર આવેલું ધોરડોએ સફેદ રણનું પ્રવેશદ્વાર છે. વર્ષ 2005માં કચ્છ રણ સફારી સ્વરૂપે શરૂ થયેલો પાંચ દિવસનો કાર્યક્રમ હવે કચ્છ રણોત્સવ સ્વરૂપે ચાર મહિના સુધી ચાલે છે.
ધોરડોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવે છે, જેમાં દરબારી, રજવાડી, સુપર પ્રિમિયમ, ડિલક્સ, એસી સ્વિસ કૉટેજ અને નૉન-એસી સ્વિસ કૉટેજ જેવી અનેક શ્રેણીના તંબુ ઊભા કરવામાં આવે છે, છતાં પ્રવાસીઓમાં મુખ્ય આકર્ષણ પરંપરાગત રહેણાક ભૂંગાનું
કચ્છનો વિસ્તાર ભૂકંપ અને વાવાઝોડાં જેવી કુદરતી આપત્તિઓનો વારંવાર ભોગ બને છે, ત્યારે બે સદી કરતાં વધુ સમયથી ભૂંગાની ડિઝાઇન સ્થાનિકોમાં પ્રચલિત છે. જે તેમને આ કુદરતી આપત્તિઓ સામે સંરક્ષણ પૂરું પાડે છે.
ધોરડો સફેદ રણનું પ્રવેશદ્વાર કેમ કહેવાય છે?
ધોરડોએ ભૂજથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલું બની વિસ્તારનું છેવાડાનું ગામ છે અને તેને કચ્છના મોટા રણના ભાગરૂપ એવા સફેદ રણનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
ચોમાસામાં દરિયાના પાણી રણવિસ્તારમાં ફરી વળે છે, વરસાદના પાણીને કારણે તેની ખારાશ ઘટી જાય છે. શિયાળામાં જેમ-જેમ પાણીનું બાષ્પીભવન થવા લાગે છે, તેમ-તેમ માટી ઉપર મીઠાનું સ્તર છતું થવા લાગે છે, જે સફેદ રણની આભા ઊભી કરે છે.
સફેદ રણના દૃશ્યની મજા માણવા માટે સહેલાણીઓ દ્વારા પૂનમનો દિવસ પસંદ કરવામાં આવે છે, જે દિવસે ચાંદનીના પ્રકાશમાં સમગ્ર વિસ્તાર ચમકે છે. આ સિવાય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પણ પર્યટકોની ભીડ ઉમટી પડે છે.
વૉચ ટાવર પરથી જોતાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી માત્ર અને માત્ર સફેદ રણ જ દેખાય છે. જોકે, રણવિસ્તારમાં ક્યાંક-ક્યાંક પાણી રહી જતું હોવાથી જમીન કળણવાળી હોય છે, જેથી પગ મૂકતી વખતે પ્રવાસીઓએ સાવધ રહેવું પડે છે.
વર્ષ 1988 આસપાસ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર હતા, ત્યારે તેમણે સ્થાનિક કાર્યકરો સાથે ધોરડોની મુલાકાત લીધી હતી. ત્યારે તેઓ આ દૃશ્યથી પ્રભાવિત થયા હતા અને સમય આવ્યે તેનો વિકાસ કરવાની વાત કરી હતી.
યોગાનુયોગ વર્ષ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો, એ પછીની કામગીરી સંદર્ભે કેશુભાઈ સરકારને હઠાવવામાં આવ્યા, ત્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2005માં મુખ્ય મંત્રી તરીકેની બીજી ટર્મ દરમિયાન તેમણે પાંચ દિવસીય કચ્છ સફારીની શરૂઆત કરાવી હતી, જેથી કરીને કચ્છમાં પર્યટનને પ્રોત્સાહન મળે.
એ પછી ગુજરાત પર્યટન વિભાગ દ્વારા બોલીવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને લઈને ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ જાહેરાત અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજે લગભગ ચાર મહિના જેટલો લાંબો કચ્છ રણોત્સવ ચાલે છે.
ભાતીગળ ભૂંગાની ભવ્યતા લોકપ્રિય છે.
કચ્છના રણોત્સવ દરમિયાન ટેન્ટ સિટી ઊભું કરવામાં આવે છે, જેમાં અલગ-અલગ શ્રેણીના તંબુ પર્યટકોને માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જોકે, પ્રવાસીઓમાં કચ્છના ભૂંગામાં રહેવાનું વિશેષ આકર્ષણ હોય છે. ‘હૉમ સ્ટૅ’ દ્વારા તેઓ પરંપરાગત રહેણાક ઉપરાંત દીનચર્યાનો તાગ પણ મેળવી શકે છે.
છેલ્લી લગભગ બે સદી દરમિયાન કચ્છના રણવિસ્તારમાં મીઠું પકાવવાનું ઉદ્યોગ પણ ફાલ્યો છે, જે ચોમાસાના વિસ્તારમાં ઠપ થઈ જાય છે.
ભૂંગાએ ન કેવળ ધોરડો, પરંતુ સમગ્ર કચ્છમાં પ્રચલિત રચના છે. ભૂંગા માટીથી બનેલાં વર્તુળાકાર ઝૂંપડા જેવા હોય છે. વર્ષ 1819ના ભૂકંપ પછી સ્થાનિકોએ આ વિશિષ્ટ સંરચના અપનાવી હતી અને તે લગભગ બે સદીથી પ્રચલિત છે. વર્ષ 1956 તથા 2001ના ભયાનક ભૂકંપમાં કચ્છનાં ભૂંગા ટકી રહ્યાં હતાં.
ભૂંગાનો નીચેનો ભાગ ગૅસના સિલિન્ડર જેવો વર્તૂળાકાર હોય છે, જ્યારે તેની છત શંકુ આકારની હોય છે. ઉનાળામાં જ્યારે તાપમાનમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે, ત્યારે તે ઠંડી આપે છે અને શિયાળામાં રાત્રિના સમયે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, ત્યારે તે હૂંફ પૂરી પાડે છે.
વર્તુળાકાર રચનાને કારણે સૂર્યનાં મોટાભાગનાં કિરણો ભૂંગા ઉપર પડે છે અને પરાવર્તિત થઈ જાય છે એટલે તેની સપાટી ઓછી ગરમ થાય છે અને અંદરના ભાગે ઠંડક આપે છે. આમ ભૂંગા વિષમ આબોહવા સામે તે સ્થાનિકોને રક્ષણ આપે છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, જમીનથી ઊંચા પ્લૅટફૉર્મ ઉપર ગાર-માટી, વાંસ, લાકડાં અને કાથીનો ઉપયોગ કરીને ભૂંગાનું નિર્માણ કરવામાં આવે છે. મોટાભાગના ભૂંગાની છત દિવાલ તથા તેના આકારને કારણે પરસ્પર ટેકાને કારણે જળવાઈ રહે છે, છતાં કેટલાક ભૂંગામાં અંદરની બાજુએ ટેકો આપવા માટે થાંભલી મૂકવામાં આવે છે. સામાન્ય રીતે આવા ઘરોમાં એક સાંકડો દરવાજો અને એક-બે બારીઓ હોય છે.
છત માટે બાવળ, ગાંડા બાવળ, ખેર, ખીજડાનાં લાકડાં અને ઘાસને કાથીની દોરીથી જોડીને આઇસ્ક્રીમનાં ઊંધા કૉન જેવો શંકુ આકાર આપવામાં આવે છે. જ્યારે ગાયના છાણ અને માટીથી તળિયું બનાવવામાં આવે છે.
ભૂંગાની અંદર તથા બહારની બાજુએ ચીકણી માટીથી ભાતીગળ ડિઝાઇનો ઉપસાવવામાં આવે છે. આ સિવાય ભૂંગા ઉપર ચિત્રો પણ દોરવામાં આવે છે. દર વર્ષે દિવાળી પહેલાં ઘરની સ્ત્રીઓ ભૂંગા ઉપર નવું લીંપણ કરે છે તથા ચિત્રો-ડિઝાઇનો તૈયાર કરે છે.
આર્કિટેક્ટ માનસ મૂર્તીના મતે, ભૂકંપ દરમિયાન જમીનમાંથી જે તરફથી ઊર્જા છૂટી પડે છે, તે તરફની દિશા ધરાવતાં ઘરોને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. પરંતુ ભૂંગાની દિવાલો વર્તુળાકાર હોય છે, જેથી તે આંચકા સહન કરી શકે છે. માટીથી લિંપેલી વાંસની દિવાલો પણ ભૂંકપ દરમિયાન છૂટી પડતી ઊર્જાના આંચકા શોષી લે છે.
સ્થાનિકોએ ‘પ્રયોગ કરો અને શીખો’ના આધારે જાતે શીખી-શીખીને લગભગ બે સદી પહેલાં આ ડિઝાઇન અમલમાં મૂકી હતી.
અરબી સમુદ્રમાં ઉઠતા વાવાઝોડાં કાં તો કચ્છની ઉપર ત્રાટકે છે અથવા તો તેના ઉપરથી પસાર થાય છે. આ સિવાય રણમાં ઉઠતાં વંટોળિયા અહીંના રહેણાંકો ઉપર જોખમ ઊભું કરે છે.
વાવાઝોડાં દરમિયાન બહુ થોડી સપાટી હવાના સંપર્કમાં આવે છે, વળી ભૂંગાની સપાટી વર્તુળાકાર હોવાને કારણે તેમની વચ્ચે ટક્કર થવાને બદલે સંપર્કમાં ફેરવાઈ જાય છે, જેના કારણે તે રહેવાસીઓને સલામતી પૂરી પાડે છે.
ડિઝાઇન આધુનિક હોય કે પ્રાચીન તે કુદરતી આપદા સામે રક્ષણનું આશ્વાસન આપી શકે, પરંતુ પૂરેપૂરી ખાતરી નહીં. વિશેષ આકાર અને આકૃત્તિઓને કારણે જ કચ્છના ભૂંગાને ‘આર્કિટેક્ટ વગરના આર્કિટેક્ચર’ તરીકે ઓળખવામાં આવે છે.