હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં થનારા સંક્રમણને ધ્યાને લઈ આજરોજ સુરત જિલ્લા પંચાયતના સભાખંડમાં ‘બાળકોમાં કોવિડ-19 સંક્રમણ’ વિષય પર આયોગના ચેરમેન જાગૃતિબેન પંડયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વેળાએ મેયર હેમાલીબેન બોધાવાલા તેમજ અન્ય પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ચેરમેને જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સંપૂર્ણ સતર્કતા, સાવચેતી સાથે જવાબદારી નિભાવીને તેનો સામનો સહિયારા પ્રયાસોથી થવો ધટે. ખાસ કરીને બાળકોને કોરોથી બચાવવા માટે ગામની અંદર ટાસ્ક ફોર્સ બનાવીને ‘મારૂ ગામનું બાળક કોરોના મુકત બાળક’ના સુત્ર દરેક સાર્થક કરવા ગામમાં 0 થી સાત વર્ષ, 7 થી 14 વર્ષ તથા 14 થી 18 વર્ષની કેટેગરી પાડવાની રહેશે. કોઈ બાળક થેલેસેમીયાગ્રસ્ત કે અન્ય રોગગ્રસ્ત હોય તો તેને ઓછુ સંક્રમણ લાગે તે માટેના તમામ પગલાઓ લેવાનો અનુરોધ ચેરમેને કર્યો હતો. ગામની કમિટી બનાવીએ જેમાં સરપંચ, સામાજિક કાર્યકર, મુખ્ય શિક્ષક, ફોન પર માર્ગદર્શન આપી શકે તેવા નિષ્ણાંત પિડીયાટ્રીશ્યન તેમજ સી.ડી.પી.ઓ. સાથે મળીને તમામના સંપર્ક સાથે બેનર મુકીને ગ્રામજનોને માહિતગાર કરી શકાય. વધુમાં આવનારી પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકાય તેનું મંથન કરવા જણાવ્યું હતું. ગામોમાં કોરોનાથી માતા-પિતા ગુમાવનારા બાળકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પહોચે તે માટેના સનિષ્ઠ પ્રયાસો કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વેળાએ બાળ સંરક્ષણ આયોગના સચિવ પી.બી.ઠાકરે જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરમાં ઓછામાં ઓછા બાળકોમાં સંક્રમિત થાય તે માટે ગ્રામસમિતિઓએ એકટીવ થઈને સાથે મળીને કાર્ય કરવું પડશે. બાળકોમાં કોરોનાના કેવા પ્રકારના લક્ષણો હોય તેમજ બચાવ માટે કેવા પગલાઓ લેવા તે અંગેની માહિતી તેમણે આપી હતી.
આ પ્રસંગે મેયર હેમાલીબેન બોધવાલા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એચ.ગઢવી, આયોગના દિપક જોષી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ડો.નિમિષાબેન પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જયેન્દ્રસિંહ ઠાકોર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલ તેમજ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના પદાધિકારીઓ, તાલુકા પ્રોગ્રામ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.