હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
દિવસે દિવસે ખેડૂતો વૈજ્ઞાનિક અભિગત તરફ વળી રહ્યા છે. સૌરાષ્ટ્રના હળવદના શિવપુર પંથકમાં કાજુની ખેતી કરીને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગે બાગાયતી ખેતી કરવામાં આવી રહી છે. દાડમ, લીંબુ, સીતાફળ, જામફળ તથા છૂટક પ્રમાણમાં કેરીનું પણ ઉત્પાદન થાય છે. પણ નવીન વાત એ છે કે, આ વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી કાજુનો પાક લેવામાં આવી રહ્યો છે.
જુદા જુદા બગીચાઓમાં 15 વીઘામાં કાજુનું વાવેતર થયું છે. હાલમાં ચાર ખેડૂતો આ કાજુનો પાક લે છે. આ વિસ્તારના અશોકભાઈ ચનિયારા પાસે 80 વીધાનો બગીચો છે. જેમાં અઢી વીધામાં કાજુની ખેતી થઈ રહી છે. ખેતીમાં કંઈક નવું કરવા માટે તેમણે કાજુની ખેતીનો પ્રયોગ કર્યો છે. આ પંથકમાં સૌથી પહેલા હરખજીભાઈ નામના ખેડૂતે કાજુની ખેતીનો પ્રયોગ કર્યો હતો. એ પછી અન્ય ખેડૂતોએ ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. કાજુનો એક રોપો રૂ.40થી 100 માં મળે છે. ત્રણથી ચાર વર્ષે એમાં ફળ આવવાનું શરૂ થાય છે. હવામાન અને વરસાદને કારણે પાકમાં વધ ઘટ થાય છે. એક વીધે રૂ.35000થી 40,000ની આવક છે.
આ પાકમાં નવેમ્બર ડીસેમ્બરમાં ફળ આવવાનું શરૂ થાય છે. જે મે અને જુન મહિના સુધીમાં પાકે છે. પાક તૈયાર થાય એટલે અમદાવાદ જેવા મહાનગરમાંથી વેપારીઓ સીધા બગીચેથી આવીને ખરીદી કરી જાય છે. કાજુની આ ખેતી વિશે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો કહે છે કે, કાજુને ગરમ અને ભેજવાળી આબોહવા ખૂબ જ માફક આવે છે. પણ 45 સે.થી વધારે તાપમાન કાજુ માટે હાનિકારક. ઢોળાવવાળી જમીન હોય જ્યાં પાણીનો કોઈ ભરાવો ન થાય ત્યાં કાજુ પાકે છે. આ પ્રકારની જમીન વધારે માફક આવે છે.
મેદાની પ્રદેશ હોય ત્યાં આ પાક વધારે સફળ થયો નથી. કર્ણાટક અને ગોવામાં પણ કાજુની ખેતી થાય છે. સૌરાષ્ટ્રમાં આવી ખેતી થોડી કઠિન છે. પાક લેવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. પણ ખેડૂતોએ આમાં સફળતા પ્રાપ્ત કરી છે. હળવદ જ નહીં જામનગરના ગ્રામ્ય પંથકમાં ખારેક અને દાડમની ખેતી થઈ રહી છે. સીઝનલ પાક હોવાથી ખેડૂતો અન્ય વાવેતર કરીને સમતોલન કરી રહ્યા છે.